2,53,000 Not Out!

 

11-09-2013

11-09-2013

Mumbai Samachar, 11th Sept., 2013

INTERVAL-11-09-2013-Page-6-7

રમા સતીશ શાહ, નારીશક્તિનું એક અનોખું નામ. છેલ્લાં ૧૩ વર્ષથી જેઓ સતત ગણેશમૂર્તિઓનું સર્જન કરી રહ્યાં છે અને આ ૧૩ વર્ષમાં તેમણે વિશ્ર્વવિક્રમી બે લાખ ત્રેપન હજાર ગણેશમૂર્તિઓનું સ્વહસ્તે સર્જન કર્યું છે. અનેક પુરસ્કારોથી તેઓ સન્માનિત છે. સ્નેહાળ માતા, આદર્શ પત્ની અને કુશળ ગૃહિણી તરીકે ઘરની અંદર તો સફળ છે જ ઉપરાંત સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેનારાં પણ ખરાં. અત્યારે તેઓ મુંબઇ પોલીસ પીસ કમિટી અને મહિલા દક્ષતા કમિટીમાં સભ્ય તરીકે તેમની સામાજિક જવાબદારી અદા કરી રહ્યાં છે. અનેક સંસ્થા અને સેવા મંડળો દ્વારા તેઓ આમંત્રિત અને સન્માનિત છે. ખાસ તેમના મૂર્તિસર્જન માટે થતાં કાર્યક્રમોમાં તેઓ જાહેરમાં ગણેશમૂર્તિ બનાવે છે અને લોકોને તેમના કૌશલ્યનો પરિચય આપે છે. આંખે પટ્ટી બાંધીને જ્યારે તેઓ ગણતરીની મિનિટોમાં ગણેશમૂર્તિ તૈયાર કરી દે છે. તેમની એ કુશળતા લોકો દ્વારા ખૂબ પ્રશંસા અને આદર પામી છે. તેમને મળેલા પુરસ્કારોની યાદી ઘણી લાંબી છે. તેમાં મહિલા શક્તિ એવૉર્ડ, નારીરત્ન એવૉર્ડ, કલા પ્રવીણ એવૉર્ડ, સ્ટાર મહિલા રત્ન એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ વગેરેમાં પણ તેમનું નામ નોંધાયું છે. આસ્થા ચેનલ પર તેમની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ પણ કરાયું છે. મહારાષ્ટ્રના રાજભવનમાં પણ તેમનું સન્માન કરાયું છે. આ રમાબહેન આ વર્ષે પણ હજારો મૂર્તિઓ તૈયાર કરીને તેમનો રેકોર્ડ આગળ જ વધારતા રહ્યાં છે. ૯૯ દિવસમાં ૯૯૯૯ મૂર્તિઓ બનાવવાનો અને ૨૪ કલાકમાં ૯૯૯ મૂર્તિઓ બનાવવાનો વિક્રમ તેઓ ધરાવે છે. મૂર્તિઓ પણ પાછી વિવિધ સ્વરૂપની અને વિવિધ જાતની. ગણેશના લગભગ જેટલાં સ્વરૂપ પ્રચલિત છે તે બધાં સ્વરૂપોને તેમણે મૂર્તિઓમાં ઉતાર્યાં છે.

‘રાત હોય કે દિવસ, જ્યારે અનુકૂળ સમય મળે અને વિક્ષેપ ન પડે એમ હોય ત્યારે મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દઉં છું, અને ગણેશમૂર્તિ માટે લોકોમાં આસ્થા અને ભક્તિ જોઇ અનેરો આનંદ થાય છે. લોકોને સતત તેનો પ્રતાપ પણ મળતો રહ્યો છે અને તેથી તેમની આસ્થા વધતી રહી છે, અને મારી પણ.’ એવું કહેનારાં રમાબહેનની ઇચ્છા છે કે જ્યાં સુધી તેમનાથી શક્ય હશે તેઓ મૂર્તિઓનું સર્જન કરતાં જ રહેશે. નાનપણથી તેમનામાં ખીલેલા હસ્તકળાના શોખને રમાબહેને સુપેરે પોષ્યો અને આજે તેનું સંપૂર્ણ ખીલેલું રૂપ જાહેર છે. હર્યોભર્યો પરિવાર, કૌટુંબિક જવાબદારીની સાથે સામાજિક ક્ષેત્રે કાર્યરત રહી આવી અનન્ય ગણેશસાધના કરનારાં રમાબહેન ગુજરાતીઓનું ખરું મહિલાગૌરવ છે.

Bookmark the permalink.

Comments are closed.