Mumbai Samachar, VAMA, 28th Sept., 2012
MumbaiSamachar03-FRI-28-09-2012-VAMA
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=65564
બે લાખ ગણેશમૂર્તિનાં ઘડવૈયા રમા શાહ-કેસરવાલા
હાથોં કી ચંદ લકીરોં કા, યે ખેલ હૈ સબ તકદીરોં કા!
ઘર-સંસાર, બાળકો અને ત્રીસ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા રમા શાહ પાસે જીવનનું લક્ષ્ય માત્ર એક છેઃ વિઘ્નહર્તાની અવિરત કૃપાદષ્ટિ
પ્રતિભા – નંદિની ત્રિવેદી
રમાબહેન શાહ કેસરવાલા. સિર્ફ નામ હી કાફી હૈ. નયનને બંધ રાખીને ગણેશજીની અપરંપાર આકર્ષક મૂર્તિઓ બનાવનાર રમાબહેનને હવે કોણ ના ઓળખે? વિઘ્નહર્તા દેવની મૂર્તિઓ બનાવીને દર વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડતાં રમાબહેનની તકદીરની કોઈને પણ ઈર્ષા આવે એવું સામર્થ્ય આ દૂંદાળા દેવે એમના પવિત્ર આત્માને આપ્યું છે. બાકી છે કોઈ ગૃહિણીનું ગજું બાર વર્ષમાં બે લાખ બાર હજ્જાર ગણેશ મૂર્તિઓ બનાવવાનું? હાથની લકીર અને બે હથેળીની મહેનતે રમાબહેનની જ નહીં અનેકની તકદીર સુધારી દીધી છે. ‘‘સાચું કહું તો મેં હૃદયપૂર્વક મેં ખૂબ સાધના કરી છે. ગણેશજીની કૃપા અને મારી શ્રદ્ધાના પરિણામે જેમને મેં મારી બનાવેલી મૂર્તિ આપી છે એમની ઈચ્છા પરિપૂર્ણ થવા સાથે જીવનમાં હકારાત્મક પરિવર્તન પણ આવ્યું છે.’’ રમાબહેન આત્મવિશ્વાસપૂર્વક કહે છે. ‘‘આટલી બધી મૂર્તિઓ સાચવો કેવી રીતે?’’ પ્રશ્નના ઉત્તરમાં રમાબહેન કહે છે કે, ‘‘મને મૂર્તિ બનાવવા માટેના એટલા બધા પ્રોગ્રામ મળે છે કે દરેક પ્રોગ્રામમાં હજાર મૂર્તિઓ મુકી હોય એ પણ પૂરી થઈ જાય. મૂર્તિ લઈ જનારને મનમાં થાય કે મૂર્તિનું આ મટિરિયલ ઘણું કીમતી છે તો તેઓ દાનપેટીમાં પૈસા મૂકતા જાય, એ પૈસાથી નવું મટિરિયલ આવે. આમ પુણ્ય અને પૈસાનું ચક્ર ચાલ્યા જ કરે છે ને મારી અવિરત સાધના પણ. લોકોની સુખ-શાંતિના અનુભવો સાંભળું ત્યારે એમ જ થાય કે જીવું ત્યાં સુધી આ અખંડ યજ્ઞ ચાલુ રાખું.’’
રોજની લગભગ નેવુ મૂર્તિ બનાવતાં રમાબહેનમાં આ અલૌકિક શક્તિ કેવી રીતે આવતી હશે એ વિશે આશ્ચર્ય થયા વિના રહે નહીં. કારણ કે, ઘર-સંસાર, બાળકોની જવાબદારી સાથે રમાબહેન ત્રીસ જેટલી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે તેમજ પોલીસ પીસ કમિટિ મહિલા દક્ષતા કમિટી દ્વારા પણ અનેક સદ્કાર્યો તેમણે કર્યાં છે. તેથી જ એમ વિચાર આવે કે જેમના હાથમાં અપાર ઉર્જા હોય, તન-મનમાં અનેરી તમન્નાઓનો સાગર ઘૂઘવતો હોય, આકાંક્ષાઓ આકાશને આંબતી હોય, મનની મુરાદ ખળ ખળ વહેતી સરિતા જેવી હોય તેમને માટે કોઈ કાર્ય અશક્ય નથી. રમાબહેનની મૂર્તિનાં દર્શન કરનારના અભિપ્રાયથી તેમની ૨૫ બુક્સ ભરાઈ ગઈ છે. ‘‘દરેકના ભાવપૂર્ણ મંતવ્ય વાંચીને હું ભાવવિભોર થઈ જાઉં છું. મારી દુખતી આંગળી અને દુખતા હાથનું દર્દ મટી જાય છે. ઉત્સાહ, ઉમંગ અને હિંમત વધવા લાગે છે. થોડો ઘણો થાક લાગ્યો હોય તેય ઊતરી જાય છે.’’ કહે છે રમાબહેન.
લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં જેમનું નામ ૧૧ વખત આવી ચૂક્યું છે, ઉપરાંત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ સહિત અનેક અૅવોર્ડ્સ જીતી ચૂકેલાં રમાબહેન સંગીત, નૃત્ય, કલા અને ક્રાફ્ટમાં નાનપણથી જ રૂચિ ધરાવે છે. સમાજસેવામાં ઓતપ્રોત રમાબહેને ૨૦૦૯માં ચોવીસ કલાક સુધી કશું જ ખાધા-પીધાં વિના ૯-૯-૨૦૦૯ના દિને સવારે ૯ કલાકે ૯ વર્ષમાં ૯૯,૯૯૯ મૂર્તિ પૂર્ણ કરી હતી. આ વર્ષે તેમણે બે લાખ બાર હજાર મૂર્તિ ઘડવાનો ભગીરથ પુરૂષાર્થ કરીને ફરીથી વિક્રમ સર્જ્યો છે. તેઓ કહે છે કે મૂર્તિ બનાવતી હોઉં ત્યારે મારા ઘરની બારીની ગ્રિલમાં પોપટ-ચકલી પણ આવીને બેસે અને જાણે નિહાળતાં હોય એવું લાગે. નોંધનીય એ છે કે દરેક મૂર્તિ એકબીજાથી જુદી છે કેમ કે તેઓ બીબાંનો ઉપયોગ ક્યારેય કરતાં નથી. તેમણે તૈયાર કરેલી મૂર્તિઓ લોકો શ્રદ્ધાપૂર્વક પોતાને ઘરે લઈ જાય છે અને કાર્ય સિદ્ધ થયાનો સંતોષ પણ મેળવે છે. ‘‘આંખ પર પાટા બાંધીને મૂર્તિઓ બનાવાનો વિચાર કેવી રીતે આવ્યો?’’ એ પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે, ‘‘માર્ચ ૨૦૦૦માં સ્વપ્નમાં આકાશમાં ઝગમગતા ભવ્ય ગણેશજીનાં દર્શન થયાં અને એ સ્વપ્ન વારંવાર આવતું હોવાથી મૂર્તિ બનાવવાની પ્રેરણા થઈ. ગણેશજી મારામાં એટલા આત્મસાત્ થઈ ગયા કે આંખે પાટા બાંધીને પણ હું આકર્ષક મૂર્તિ બનાવી શકું છું.’’ સતત સત્કર્મ કરતાં રહેવું એ જ એમની સાધના છે. તેમના પતિ સતીષભાઈ અને સાસરિયા તરફથી પણ સતત પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં હોવાથી તેમનો ઉત્સાહ સદાય બરકરાર રહે છે. તેમણે સજાવેલી મૂર્તિઓ અનેક વીઆઈપી વ્યક્તિઓ પાસે ગઈ છે અને વિવિધ સંત-મહંતોએ પણ બિરદાવી છે. આશા રાખીએ કે પ્રેમ-શ્રદ્ધા-વિશ્વાસ અને સાચી આસ્થાનો પ્રસાર કરતાં રમાબહેનને વિઘ્નહર્તાનું વરદાન અને કૃપાદષ્ટિ સતત મળતાં રહે અને તેમની આ અખંડ સાધના ચાલુ રહે. આટલી શુભકામના તો આપણે વ્યક્ત કરી કરીએને એમના પ્રત્યે?